વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી .. (૨)
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ !
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી … (૨)
વીજળીને ચમકારે…
જાણ્યા રે જેવી આ તો, અજાણ છે રે વાતો
અધૂરિયાંને ન કહેવાય ..
ગુપત રસનો આ ખેલ છે અટપટો ને,
આંટી રે મેલો તો (પૂરણ) સમજાય જી … (૨)
વીજળીને ચમકારે…
(નિરમળ થઈને) માન રે મેલી ને તમે,
આવો રે મેદાનમાં ને (પાનબાઈ !).. (૨)
જાણી લિયો જીવ કેરી (ની) જાત જી … (૨)
સજાતિ વિજાતિની જુગતી બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … (૨)
વીજળીને ચમકારે…
પિંડ રે બ્રહ્માંડથી, પર છે ગુરુજી મારો ..(૨)
એનો (તેનો) રે દેખાડું તમને દેશ જી .. (૨)
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ !
ત્યાં નહિ માયાનો જરીએ (લેશ) રંગ જી … (૨)
વીજળીને ચમકારે, મોતીડા પરોવે રે પાનબાઈ !
અચાનક અંધારાં થાશે જી ..
જોત રે જોતામાં દિવસો, વિયા રે ગિયા પાનબાઈ,
એકવીશ હજાર છસોને કાળ ખાશે જી … (૨)