Search This Blog

Saturday, November 24, 2012




મોજમાં રેવું...
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું...
કાળમીંઢ પાણના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે...
આભ-ધરા બીચ રમત્યું હાલે ખેલ ના ખૂટે રે...
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે... મોજમાં રેવું.
કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે...
મરવું જાણે મરજીવા ઈ તો રમતા તાલે રે...
એનો અંત - આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે... મોજમાં રેવું.
લાય લાગે તોય બળે નઇં એવા કાળજા કીધાં રે...
દરિયો ખારો ને વિરડો મીઠો દાખલા દીધા રે...
જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે... મોજમાં રેવું.
સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઈ રે...
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે...
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે... મોજમાં રેવું.
ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવંિદો રે...
હરિભગતું ને હાથવગો છે પ્રેમનો પરખંદો રે...
આવા દેવને દિવો કે ઘૂપ શું દેવો દિલ દઈ દેવું રે... મોજમાં રેવું.
રામકૃપા અને રોજ દિવાળી ને રંગનાં ટાણાં રે...
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ના દાણા રે...
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે... મોજમાં રેવું.
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે...
અગમ, અગોચર, અલખધણીની ખોજમાં રેવું રે... મોજમાં રેવું...
- દાન અલગારી