All kinds of Rites ( Pujas ) & Astrology Work. Time :(tue-Sat)Evening 6.00 to 10.00 PM. Add: 394, Anand Nagar, Karelibaug,Vadodara-18. Phone : 0265-2492559 Cell: +91-9824429520.email ID:bhatt2172@gmail.com
Search This Blog
Monday, August 23, 2010
બીલીપત્રનું મહત્વ
બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે. બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. જયાએ કહ્યું "દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે..." અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ "બિલ્વ" રાખ્યું. બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે. બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! જે "શ્રીવૃક્ષ" તરીકે ઓળખાયું છે. બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે. - બીલી પત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે. - બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી. - બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે. - આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. - આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે. - ફળમાં કાત્યાયનીનો વાસ છે. - આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. - આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે. - બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. - આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.
Subscribe to:
Posts (Atom)