દુનિયા વાંસ તણો સાંઠો, રે ડગલે દુ:ખ તણી ગાંઠો,
કંઈ કંઈ દિલમાં થાતી બળતરા, કોઈ પરણ્યો, કોઈ વાંઢો;
કોઈ કુંવારી કોઈ છે સધવા (૨),
પરણીને રાંડો... દુનિયા વાંસ તણો...
કોઈના ઘરમાં તો પ્રજા ઘણેરી, મળે નહિ આટો,
અન્ન્ તણા જ્યાં કોઠારો ભરિયા (૨),
'શેર માટી'નો વાંધો... દુનિયા વાંસ તણો...
ઘેર ઘેર છે તોફાન જાગ્યાં, ચઢે ના સવળો પાટો,
કોઈ પિતાને પુત્ર છે મળિયા (૨)
વાગે છે કાળજે કાંટો... દુનિયા વાંસ તણો...
સાર વગરના સુકા સાંઠામાં, સાર તો શાનો કાઢો ?
સુખ તો સઘળાં સુકાઈ ગયાં છે (૨),
ભરશે દુ:ખની ફાંટો... દુનિયા વાંસ તણો...
સત્સંગ એક જ સાધન એવું, તોડે દુ:ખની ગાંઠો,
'પુનિત' ઈશ્વર-ભક્તિ વિના તો (૨)
ફળે નહિ આ આંટો... દુનિયા વાંસ તણો...
સંત પુનિત