આ જગમાં આવીને, માનવ , માનવતા વિસરતાં જોયા
પૈસા માટે આંખ મીંચીને, કાળા ધોળા કરતા જોયા
સત્યાસત્ય વિવેક ભૂલીને , સ્વાર્થ ને સત્ય સમજતા જોયા
ભોગો માટે દીન બની , કીડા સમ જીવન જીવતા જોયા
સૃષ્ટી માં આવીને , સર્જનહારને ભૂલતા માનવ જોયા
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૧)
ઈશ્વરની સુંદર સૃષ્ટીમાં , વિકારી ઓને ભમતા જોયા
રૂપ જોઇને લટ્ટુ થાતાં, વિચલિત મનના માનવ જોયા
કોમળ કંઈ પુષ્પો ને મેં તો, વણખીલ્યે ચુંટાતા જોયા
સુંદરતા જોઈ ના હસતાં , હણીને હર્ષિત થાતાં જોયા
પૂજન છોડી સુંદરતા નું , લુંટનાર શિકારી જોયા
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને રડતાં જોયા....(૨)
ભાઈ ભાઈ ની ભાવના ભૂલી , ખોટા ભેદો ધરતાં જોયા
સમાનતાની વાતો કરતાં , ઉંચ નીચ ગણનારા જોયા
દંભ અહં જીવનમાં ભરીને , વર્તનમાં તદન ઉલ્ટા જોયા
કામ ન કરવું નામ ધરીને , મોટા મોટા ફરતાં જોયા
સેવાના નામે જયારે મેં , સહુ ને મેવા જમતાં જોયા
ત્યારે સત્ય હકીકત કહું છું , ઈશ્વર ને મેં રડતાં જોયા ....(૩)