Search This Blog

Friday, July 30, 2010

Tratak (ત્રાટક)






अथ त्राटकम् ।
निरीक्षेन्निश्चलदृशा सूक्ष्मलक्ष्यं समाहितः ।
अश्रुसम्पातपर्यन्तमाचार्यैस्त्राटकं स्मृतम् ॥३१॥
मोचनं नेत्ररोगाणां तन्दाद्रीणां कपाटकम् ।
यत्नतस्त्राटकं गोप्यं यथा हाटकपेटकम् ॥३२॥

હઠયોગપ્રદીપિકામાં ત્રાટક વિશે ઉપર પ્રમાણેનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. જેનો અર્થ સરળ ગુજરાતીમાં એમ કરી શકાય કે અનન્ય ચિત્તથી નિશ્ચલ દૃષ્ટિ વડે સૂક્ષ્મ લક્ષ્યને અશ્રુપાત થાય ત્યાં સુધી, એટલે કે આંખમાંથી આંસુ નીકળે ત્યાં સુધી નિરીક્ષણ કરવું તે ક્રિયા એટલે ત્રાટક.

ત્રાટકની પ્રક્રિયા
આપણે હમણાં જ અર્થઘટન કર્યું કે એકાગ્ર ચિત્તથી દૃષ્ટિને સ્થિર કરીને સૂક્ષ્મ લક્ષ્ય પદાર્થને એકધારું જોયા કરવું એ ત્રાટક. તો એ સૂક્ષ્મ લક્ષ્ય વસ્તુ અથવા પદાર્થ કયો ? એના ઉત્તરમાં કહી શકાય કે કોઈ નજદીકનું બિંદુ, સૂર્ય સિવાયનો કોઈ પણ પ્રકાશિત બાહ્ય પદાર્થ જેમ કે દીવો કે એની અચળ જ્યોત, આકાશમાં પ્રકાશિત ચંદ્ર કે કોઈ તેજસ્વી તારો, ઓમકાર જેવું કોઈ પ્રતિક કે ચિન્હ, ઈષ્ટ દેવની નાની સરખી પ્રતિમા અથવા પ્રતિમાનો આંખ કે ભ્રમરની મધ્યનો ભાગ, કે પછી પોતાના જ નાકનું ટેરવું કે બે બ્રમરની મધ્યનો પ્રદેશ. દૃષ્ટિને ક્યાં કેન્દ્રિત કરવી એનો આધાર સાધકની રુચિ અને અનુકૂળતા પર આધાર રાખે છે.

ત્રાટક કરવાની રીત આ પ્રમાણે છે - અનુકૂળ હોય તેવા કોઈ પણ આસન પર બેસો અને પોતે નક્કી કરેલા પ્રતિક, પદાર્થ કે ચિન્હ પર દૃષ્ટિ સ્થિર કરો. આંખ પલકાર્યા વગર, સહજ રીતે દૃષ્ટિને અચળ કે સ્થિર રાખીને આંખમાં પાણી આવે ત્યાં સુધી એકીટશે જુઓ. જ્યારે આંખમાં પાણી આવવા લાગે, કે એમ થવાની શરૂઆત થાય એટલે આંખો બંધ કરી આંખોને આરામ આપો. આંખોને ઠંડા પાણીથી ધોઈ નાખો. એકાગ્રતાની વાત કરીએ તો ત્રાટકની ક્રિયા ધ્યાનની ક્રિયાને મળતી આવે છે.

અભ્યાસનો સમય
ત્રાટકનો અભ્યાસ ધીમે ધીમે વધારીને વધુમાં વધુ એક કલાક સુધી કરી શકાય છે. બે ભ્રમરની મધ્યમાં ત્રાટક કરવાથી શરૂઆતમાં આંખના પલકારા વધી માથામાં દર્દ થવાનો સંભવ રહે છે. પણ થોડા અભ્યાસ પછી દૃષ્ટિમાં સ્થિરતા આવી જાય છે. શરૂઆતમાં આંખો બળજબરી પૂર્વક ઉઘાડેલી ન રાખવી. કપાળની બાજુની નાડીઓ ખેંચાવા ન દેવી. આંખમાં આંસુ આવ્યા પછી એક જ દિવસે ફરી વાર ત્રાટક કરવાનો પ્રયાસ ન કરવો. દિવસમાં કેવળ એક જ વાર પ્રાતઃકાળમાં આ ક્રિયા કરવી. બ્રાહ્મમૂહૂર્તનો વખત આ માટે ઉત્તમ છે.

ત્રાટકના પ્રકાર
ઉપનિષદમાં ત્રાટકના વિવિધ ભેદ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે આંતર ત્રાટક, મધ્ય ત્રાટક કે બાહ્ય ત્રાટક. પણ એ ભેદનો આધાર કયા પદાર્થ કે વસ્તુ પર દૃષ્ટિને કેન્દ્રિત કરવામાં આવે તે ઉપર રહેલો છે. એનાથી ત્રાટકની પ્રક્રિયામાં ખાસ ભેદ પડતો નથી. સામાન્ય રીતે સૂર્ય સિવાય બાહ્ય પદાર્થમાં દૃષ્ટિ કેન્દ્રિત કરવાના પ્રકારને બાહ્ય ત્રાટક કહેવાય છે અને તે વાયુ પ્રકૃતિવાળા માટે અનુકૂળ છે. જ્યારે મધ્ય ત્રાટક - કે જેમાં દૃષ્ટિને નજદીકના બિંદુ, મૂર્તિ કે દીપ પર સ્થિર કરવામાં આવે છે, તે દોષરહિત નેત્રદૃષ્ટિવાળા, કફ પ્રકૃતિવાળા કે સમપ્રકૃતિવાળા માટે અનુકૂળ છે.

સાવધાની અને કાળજી
ત્રાટકના અભ્યાસ દરમ્યાન સાધકે આહાર વિહારનો સંયમ રાખવો. વળી, ત્રાટકનો અભ્યાસ કરવાથી મસ્તિષ્ક અને નેત્રપ્રદેશની ઉષ્ણતામાં વધારો થાય છે એથી નિયમિત જળનેતિનો આધાર લેવાથી ફાયદો થાય છે. ત્રિફળા કે ગુલાબજળથી આંખો ધોવાથી પણ આંખોને ઠંડક મળી રહે છે. ત્રાટકકર્મ કર્યા પછી તુરત આંખ પર ઠંડુ પાણી છાંટવાથી પણ આંખોનું તેજ વધે છે. ભોજનમાં ખાસ કરીને પિત્તવર્ધક અને કબજિયાત કરનાર પદાર્થો - જેવાં કે આંબલી, મરચાં, અથાણાં, દહીં વગેરે ન ખાવા. રજોગુણ કે તમોગુણ પ્રધાન સાધકોએ આ ક્રિયા ન કરવી સલાહભરી છે.

અનુભવ અને સિદ્ધિ
ત્રાટકના અભ્યાસ દરમ્યાન સાધકોને વિવિધ પ્રકારના અનુભવ થાય છે. જેમાં ભિન્ન ભિન્ન રંગો, વરાળ, અંધકાર, પ્રકાશ, વિવિધ આકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે બાહ્ય જે પદાર્થમાં દૃષ્ટિને કેન્દ્રિત કરી હોય તે આંખ બંધ કર્યા પછી પણ ભ્રૂમધ્યમાં સ્થિર રીતે જોઈ શકાય કે ખુલ્લી આંખે ભીંત પર કે અન્ય સમાનરંગી સપાટી પર તે દેખાય અને મનની એકાગ્રતા તથા સ્થિરતા જળવાય તો જાણવું કે ત્રાટકની સિદ્ધિ થઈ છે.

ફાયદા
ત્રાટક કરવાનો મુખ્ય ફાયદો ચિત્તવૃત્તિની સ્થિરતા છે. ત્રાટકથી ન માત્ર દૃષ્ટિ સ્થિર થાય છે પરંતુ મનની ચંચળ વૃત્તિનું શમન થાય છે. મન લક્ષ્ય પદાર્થમાં સ્થિર થાય છે. ચિંતા અને તાણ મટે છે, આંખ પર લોહીનું પરિભ્રમણ સુધરવાથી આંખનું તેજ વધે છે. આળસનો નાશ થાય છે. સાધકનું સંકલ્પબળ મજબૂત બને છે. ભ્રમરમધ્ય અને નાસિકાગ્ર દૃષ્ટિ કેન્દ્રિત કરનાર સાધકો સમયાંતરે એટલી એકાગ્રતા મેળવે છે કે એમની દૃષ્ટિ અચળ થાય છે (ખરેખર તેઆ આંખથી બે-ત્રણ ઈંચ દૂરનું પણ ભાગ્યે જ જોતાં હોય છે) અને તેઓ શરીરનું બાહ્ય ભાન વિસરી જાય છે. મન સંપૂર્ણપણે અંતર્મુખ બને છે. આ રીતના અભ્યાસવાળો સાધક શાંભવી મુદ્રા અને ઉન્મની મુદ્રા સહેલાઈથી કરી શકે છે. સાધક વિચારવિહીન દશાનો અનુભવ કરે છે. ત્રાટકની સાધનામાં આગળ વધેલાં સાધકો અન્યનાં મનની વાતો જાણી શકે છે. તે દૂરની ઘટનાઓ અને પદાર્થોને જોઈ અને જાણી શકે એવી પ્રજ્ઞાવાળો થાય છે.

yogeshwarji (SWARGAROHAN.ORG) માંથી 

1 comment:

  1. આ પોસ્ટ સ્વર્ગારોહણમાંથી કોપી કરીને મુકવામાં આવી છે. આ લખાણ યોગેશ્વર મહારાજનું છે. તમે પોસ્ટમાં ક્યાય આનો ઉલ્લેખ પણ નથી કર્યો. તેથી લોકો એમ માને કે આ લખાણ તમારું છે. આને ચોરી કહેવાય. ગોપાલ મહારાજ ચોરી કરવાનું બંધ કરો.

    ReplyDelete