મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું…
મારી મમતા મરે નહીં એનું મારે શું રે કરવું વાલીડો છે દીનનો દયાળ‚
મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે‚ થિર નહીં થાણે રે લગાર…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું‚ પેર્યો મેં તો ભગવો રે ભેખ‚
એટલા જોગે રે મારું મન થિર નૈં‚ જોવો મારે જોગેસરનો દેશ…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું‚ સંતો ! મારે ધનનો નહીં પાર રે
એટલા ધને મારું મન થિર નો થિયું લૂંટયો મેં સઘળો સંસાર રે….
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
ગુરુ ! મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું‚ સંતા ! હું તો ભણ્યો વેદ ને પુરાણ રે
એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું‚ કીધા મેં પેટને માટે પાપ રે…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું‚ કીધો મે તો મધદરિયે વાસ રે‚
એટલા જળે મારું મન થિર નો થિયું‚ લાગી મને કાંઈ સુવાંતુંની આશ રે…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ! ચાકડે‚ થિર નહીં થાણે રે લગાર
કાજી રે મામદશાની વીનતી‚ સુણો તમે સંત સુજાણ‚ સુણી લેજો ગરીબનિવાજ…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…
No comments:
Post a Comment