Search This Blog

Thursday, January 10, 2013

કુંભમેળો દર 12 વર્ષે શા માટે ?


કુંભમેળો દર 12 વર્ષે શા માટે ?

મહાકુંભમેળો દર 12 વર્ષે યોજાય છે તેની પાછળની એક ધાર્મિક કથા આ મુજબ છે. પૌરાણિક કથાઓનો આધાર લઇએ તો દેવતાઓ તથા દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ સમુદ્ર મંથનમાંથી નીકળેલા  અમૃત કળશ પર હક જમાવવા માટે થયું હતું.

દેવતા અને દાનવો જ્યારે અમૃત કુંભમાંથી અમૃત લેવા માટે કળશની ખેંચતાણ કરી રહ્યા હતા ત્યારે એ અમૃતના કેટલાક ટીપાં પૃથ્વી પર પડ્યા હતા. અમૃતનાં ટીંપાં પૃથ્વી પર જે જગ્યાએ પડ્યા હતા તે જગ્યા આજે પ્રયાગ, હરિદ્વાર, ઉજ્જૈન તથા નાસિકના નામે ઓળખાય છે.

રાક્ષસો તથા દાનવો વચ્ચે ચાલેલું યુદ્ધ સતત 12 દિવસ સુધી ચાલ્યું હતું.  દેવ અને દાનવોના 12 દિવસ એ પૃથ્વીના 12 વર્ષ ગણાય છે એટલે ભારતમાં દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે.

બાર વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં 12 કુંભ હતા. તેમાંથી 4 કુંભ પૃથ્વી પર હતા જ્યારે આઠ કુંભ દેવલોકમાં હતા.યુદ્ધ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને શનિ વેગેર દેવતાઓએ યુદ્ધ સમયે કળશની રક્ષા કરી હતી. એટલે ત્રણ વર્ષના અંતરાલ બાદ ચારેય પવિત્ર જગ્યાએ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

કુંભમેળાના આયોજનનો પ્રાચીન કાળનો ઉલ્લેખ તીર્થયાત્રી હ્યુએન સાંગના પ્રવાસ વર્ણનોમાં મળે છે.  આ ઉપરાંત આઠમી શતાબ્દીમાં સમ્રાટ હર્ષવર્ધનના શાસનમાં યોજાયેલા કુંભમેળાનું વર્ણન જોવા મળે છે.
બૃહસ્પતિ જ્યારે વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે પ્રયાગમાં બારમે વરસે કુંભમેળો ભરવામાં આવે છે. કુંભ પછીના છઠ્ઠા વરસે અર્ધ-કુંભમેળો ભરાય છે. એ બંને અવસર પર મહા મહિનામાં તીર્થદર્શન, સંતસમાગમ, દાનપુણ્ય અને સરિતાસ્નાનની ઈચ્છાથી લાખો લોકો ત્યાં ભેગા થાય છે. આમ તો સામાન્ય રીતે પ્રયાગમાં પ્રત્યેક વર્ષે મહા મહિનામાં મેળો ભરાય છે, જેને કલ્પવાસ કહેવામાં આવે છે. તે વખતે પણ ગંગાયમુનાની વચ્ચે રહેવા તથા ધર્મકાર્ય કરવા માટે ઘણા લોકો એકઠા થાય છે. છતાં, કુંભમેળાની તો વાત જ જુદી છે.

No comments:

Post a Comment