Search This Blog

Tuesday, November 9, 2010

સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા






ઋષિઓ યજ્ઞો કરતા હતા ત્યારે સાક્ષસો તેનો ધ્વંશ કરતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે જંગલમાં કોઇ ઠેકાણે યજ્ઞ થતો હોય તો રાક્ષસોને તેનો ધ્વંસ કરવાનું કારણ શું? તેમાં રાક્ષસોનું શું લૂંટાઇ જતું હતું? તો આ સહજ ઉદ્ભવતા પ્રશ્નની પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ તર્કશુદ્ધ સમજણ આપી હતી.

‘યજ્ઞના માધ્યમથી સમાજમાં ઐકય નિર્માણ થતું હતું. સમાજ એક વિચારનો, એક ધ્યેયનો બનતો હતો. સમાજમાં સ્થિરતા નિર્માણ થતી હતી અને ઇશ્વરના નામે તે સંગઠિત થતો હતો. સમાજ જો સંગઠિત થાય, તેનામાં ઐકય નિર્માણ થાય તો રાક્ષસોનું વર્ચસ્વ ઘટે. (આ રાક્ષસો એટલે આજની ભાષામાં કહેવું હોય તો સભ્ય ગુંડાઓ) તેઓ મનમાની કરી ના શકે. તેથી તેમનું વર્ચસ્વ ટકાવવા તે યજ્ઞનો ધ્વંસ કરતા હતા.’

આજે પણ સમાજમાં એવી જ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. રાક્ષસીવૃત્તિનું આસુરીવૃત્તિનું ગુંડારાજ પ્રવર્તે છે. સમાજમાં-રાષ્ટ્રમાં તેમનું વર્ચસ્વ છે. સત્તા-સંપત્તિનું એક અભેધ્ય સંગઠન થયું છે કે જે સમાજને-રાષ્ટ્રને અસ્વસ્થ અને અશાંત બનાવી રહ્યું છે. તેનો નાશ કરવો હોય તો ઇશ્વરનિષ્ઠ-ધર્મનિષ્ઠ સંગઠનની જરૂર છે.

પાંડુરંગ શાસ્ત્રીજીએ ભક્તિનું માધ્યમ સ્વીકારતાં ધર્મમાં ઘૂસેલી સંકુચિતતા દૂર કરી. બૌદ્ધિક પ્રામાણ્ય ઉપર આધારેલી ધર્મની સમજણ આપી અને ભક્તિનું માધ્યમ સ્વીકારતાં ઐકય અને એખલાસતાની ભાવના સહજ કેળવી શકાય છે તે સિદ્ધ કરી દેખાડ્યું તેનું પ્રત્યક્ષ પરિણામ આજે પણ હજારો લોકો નિ:સ્વાર્થ ભાવે, પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા ભાવના વ્યક્ત કરવાના ઉદ્દેશથી ગાંઠનું ગાડીભાડું ખર્ચી ગામમાંથી કોઇની પાસે કશું ન લેવાનું વ્રત લઇ ગામે ગામ વૈદિક વિચારો-ગીતાના વિચારો પોતાની યથામતિ જનમાનસમાં પહોંચાડે છે. એટલું જ નહીં, ભક્તિના માધ્યમથી તૈયાર થયેલી આ એખલાસતાની ભાવનાના પરિણામે અખાતી દેશોમાં ઠેકઠેકાણે સ્વાધ્યાય પ્રવૃત્તિને ત્યાંના શેખ અને આરબોએ અનુમતિ આપી છે અને ત્યાં સ્વાધ્યાય કેન્દ્રો ચાલે છે.

પાંડુરંગ શાસ્ત્રીજી ઋષિઓના રાહે ચાલ્યા હતા. તે કેવળ ચિંતક, સુધારક કે સંત ન હતા. કેવળ ઋષિ કે મહર્ષિ પણ ન હતા. પરંતુ તે Activist Philosopher પણ હતા.કેવળ તત્વજ્ઞાનના વિચાર નહીં પણ તેનું આચરણમાં અમલીકરણ કરનારા તત્વજ્ઞાની હતા. તેમના વિચાર કૃતિશૂન્ય નહીં પણ કૃતિપૂર્ણ હતા. સામાન્ય માનવી પણ જીવનમાં તત્વજ્ઞાન આત્મસાત્ કરી શકે તેવી તેમની રજૂઆત હતી. તેથી જનમાનસે તેમને આવકાર્યા હતા.

‘તત્વજ્ઞાન એટલે ન સમજાય એવી વાતો’ એ ભ્રામક સમજણ દૂર કરી પાંડુરંગ શાસ્ત્રીજીએ તેને એટલું સરળ અને સહજ બનાવ્યું હતું કે પ્રત્યેક તેનું આચરણ કરી શકે.સર્વેણ સુખિન: સન્તુ! એ કેવળ ભાવનાયુક્ત પ્રાર્થના નહીં પણ સમાજ તેવો થાય તે માટે પાંડુરંગ શાસ્ત્રીજીએ કૃતિ દ્વારા સમાજને એક આગવું દર્શન કરાવ્યું.પાંડુરંગ શાસ્ત્રીજીએ સ્ત્રીનું મહત્વ વધારી તેને અબળા નહીં પણ મહિલા ગણી છે અને ઘરની ચાર દીવાલોમાં પુરાયેલી સ્ત્રીશક્તિને જાગૃત કરી હજારો ગામોમાં પ્રભુકાર્યનો સંદેશો લઇ તેમના વિકાસ માટે ભક્તિની ભાવનાથી દોડતી કરી.

ઋષિઓએ કંડારેલી કેડી ઉપર અંધશ્રદ્ધા, વહેમ તથા સ્વાર્થીમલિનવૃત્તિનું નિંદામણ ચડ્યું છે તે તેમણે સાફ કરી રસ્તો ખુલ્લો કરી ભારતીય સંસ્કૃતિની વિચારસંહિતા, આચારસંહિતા તથા ઉપાસના સંહિતાનું શુદ્ધ રૂપમાં આબાલવૃદ્ધને સ્પષ્ટ દર્શન કરાવી તે મુજબ જીવતાં શિખવાડ્યું છે. સ્વાધ્યાય પરિવાર અને આપણે સહુ તેમણે ચિંધેલા રાહે સારા અર્થમાં પારિવારિક ભાવનાથી ભક્તિની-સમજણથી કાર્ય કરી શકીએ તો તેમને આપેલી શ્રદ્ધાંજલિ સાર્થક બનશે. તેમના નિર્વાણ દિવસ આસો વદ અમાસે સાચા અર્થમાં તેમને આપેલી શ્રદ્ધાંજલિ છે. પ્રભુ તેવી શક્તિ આપણને સૌને આપે એ જ પ્રાર્થના.